Friday, 28 March 2008

"અદા"

કાતીલ છે તમારી અદા એ વાત ધ્યાનમાં રાખો;
હવે મારી જાન લઇને જ છુટશે થોડી તો દયા રાખો.

પાગલ છું આ અદાનો દિવાનો પણ છું;
હવે આ અસહ્ય પ્રેમની થોડી તો કદર રાખો.

નહિ જુઓ સામે તો હું જ મરી જઈશ;
થોડો પ્રેમ જતાવીને કાજળના કણમાં તો રાખો.

વર્ષોથી છે પ્રેમ જે આજેય સુકાણો નથી;
આ પ્રેમની ભીનાશને થોડી તો સમજણમાં રાખો.

કાંઇતો કહેવું હશેને તમારે મારા પ્રેમ વિશે;
તમેય મખમલી પ્રેમનો જવાબ તૈયાર રાખો.

"નિશાન" તને ખબર છે કે તે તને પ્રેમ કરે છે?
શું? કહી શકીશ કે તમે ફક્ત 'હા' તૈયાર રાખો.

-કુશલ "નિશાન" દવે.

Thursday, 27 March 2008

વ્યથા

કોને કહુ કે વ્યથા કેવી હોવી જોઇએ,
વ્યથાની પણ પ્રથા તદ્દન નવી હોવી જોઇએ.

વિરહની વ્યથા કહેતા પણ હિંમત હોવી જોઇએ, સાથે
પ્રેમીકાની પણ વ્યથા ખુબજ ગંભીર હોવી જોઇએ.

કોણે કહ્યુ કે સજા અતી કઠોર હોવી જોઇએ,
ભલે ન્યાયાધિરાજ કાતીલ હોય તોય મજા હોવી જોઇએ.

નથી માનતો કે તું હરદમ સાથે હોવી જોઇએ,
પણ વિરહની પણ એક નક્કિ સીમા હોવી જોઇએ.

"નિશાન"ની ચીતા ખરેખર યોગ્ય હોવી જોઇએ,
કે વિરહની સાથે પણ થોડી વ્યથા હોવી જોઇએ.

-કુશલ "નિશાન" દવે.

Monday, 24 March 2008

થાય છે;

નથી તું સાથે છતાં તારો આભાસ થાય છે;
સપનામાં મળવાનો હજી પ્રયાસ થાય છે.

અંધકારથી ભરેલું જીવન હતું એ, ભુતકાળ;
ફક્ત આંખ ખુલે જો તારી તો ઉજાસ થાય છે.

સાથે મુકેલા બે ડગ યાદ રહી જાય છે;
સપના મહી એ મોટો પ્રવાસ થાય છે.

પડવાની બીકે તરત મારો હાથ તે ઝાલેલો;
તે મારાં ઉપર મુકેલો વિશ્વાસ થાય છે.

પ્રથમ ચુંબન માટે જે શ્વાસ તે ભરેલો;
તેનું નામ જ સાચુ સુવાસ થાય છે.

-કુશલ "નિશાન" દવે.

Wednesday, 19 March 2008

પ્રલય છે.

પ્રણયનો પ્રલય છે,
પ્રભુનો પ્રલય છે.

તમારા વખતના,
શબ્દોનો પ્રલય છે.

હ્રદયનાં જખમ તો,
નયનનો પ્રલય છે.

અદા આપની તો,
સમયનો પ્રલય છે.

"નિશાન" નમ્યો તો,
અસરનો પ્રલય છે.

-કુશલ "નિશાન" દવે.

છંદ- મુતકરિબ મુઅબર સાલિમ.
રચના- લગાગા લગાગા.

Tuesday, 18 March 2008

ક્યાં છે ?

મને તો પ્રેમ કરવાં જેવું તો ક્યાં છે?
સહન તલવાર કરવાં જેવું તો ક્યાં છે?

તમોને લાગણીની શી ખબર પડતી?
વિષદ વિચાર કરવાં જેવું તો ક્યાં છે?

તમારાં સૌંદર્ય સીવાય ઉદ્ધાર શું?
ને આંખો ચાર કરવાં જેવું તો ક્યાં છે?

નથી આ આંખના જામો ભરી દેતો,
સહન પળવાર કરવાં જેવું તો ક્યાં છે?

-કુશલ "નિશાન" દવે.

છંદ- હજ્જ મુસદ્સ સાલિમ.
રચના- લગાગાગા લગાગાગા લગાગાગા.

Monday, 17 March 2008

દિલમાં રાખશું,
પ્રેમથી ભાંખશું.
આંખનાં દ્વારથી,
મોજ તો ચાખશું.

પ્રણયનાં ફુલની,
ખુશબુ માણશું.
જગતની વાતને,
મન પર રાખશું.

આ "નિશાન" સુત્રને,
પ્રેમથી જાણશું.


-કુશલ "નિશાન" દવે.

છંદ- મુતદારીક મુરબર સાલિમ.
રચના- ગાલગા ગાલગા.

Friday, 14 March 2008

તમારા વગર

નથી જીવન કાંઇ તમારા વગર તો,
નથી પ્રણય કાંઇ તમારા વગર તો.

જગત આજ આખું નહિ કાંઇજ જાણે,
નથી વખત કાંઇ તમારા વગર તો.

જીવનતો નકામું તમારા વગરને,
નથી જનમ કાંઇ તમારા વગર તો.

દઈદો મનેતો બધા દુઃખો આજે,
નથી અસર કાંઇ તમારા વગર તો.

નહી સહન થાયે ઝખ્મ ખંજનોના,
નથી દરદ કાંઇ તમારા વગર તો.

"નિશાન" હવેતો જગતને જણાવે,
નથી ગઝલ કાંઇ તમારા વગર તો.

છંદ- મુતકારિક મુસ્સમન સાલિમ.
રચના- લગાગા લગાગા લગાગા લગાગા.


-કુશલ "નિશાન" દવે.

Thursday, 13 March 2008

કહો..!

મને પ્રણયનું ન કારણ કહો;
થયાં દરદનું ન મારણ કહો.
નથી સમય સાથે છતાં પણ;
કર્યા પાપનું ન તારણ કહો.

મને આજ ઘાયલ ન કરતાં;
ખપ્યાં ઝખમનું ન ભારણ કહો.
દિવસ-રાત તવ યાદ માં 'તો;
ગયાં વરસનું ન ધારણ કરો.


છંદ- મુતકારિબ મુસદ્સ સાલિમ
રચના- લગાગા લગાગા લગાગા

Wednesday, 12 March 2008

"નિશાન" ના પ્રેરણાસ્ત્રોત શેર.

જીવન માં જો દુઃખો હોય તો જીવન મદીરાધામ થઇ જાય;
આ દિલ સુરાહીને નયન જામ થઇ જાય.
તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું;
જો કીકી રાધા થઇ જાય તો કાજળ શ્યામ થઇ જાય.
-અમૃત "ઘાયલ".
________________________________________________

આ મહોબ્બત છે કે છે એની દયા કહેતા નથી,
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી.
બે જણાં દિલથી મળે તો એક મજલીસ છે "મરીઝ",
દિલ વિનાં લાખો મળે એને સભા કહેતા નથી.
-મરીઝ.
________________________________________________

દર્દની લાગણીના ઘણા રૂપ છે;
માત્ર આંસુજ હોવાં જરુરી નથી.
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર,
વ્યક્ત થઈના શકે એવાં ગમ કેટલાં.
-"શૂન્ય" પાલનપૂરી.
________________________________________________

"પ્રેમનું આસન શ્રદ્ધા છે, પણ એ શ્રદ્ધાનું સ્થાન શંકા લે ત્યારે પ્રેમ ફુલ કરતાં પણ વહેલો કરમાઈ જાય છે."
- શ્રી સુરેશ દલાલ.
________________________________________________

દિલવાળા સાથે દૂનિયાને કોઈ યોગ નથી સંયોગ નથી,
આસુંને વહાવી શું કરવું રડવાનો કંઈ ઉપયોગ નથી.
મજબુર થઈને હસવું એ કંઈ શોખ નથી ઉપભોગ નથી,
જીવવુ તો પડે છે કારણકે મૃત્યુના કોઇ સંજોગ નથી.
- કૈલાસ પંડીત.
________________________________________________

કેવી રીતે વીતે છે વખત શું ખબર તને?
તે તો કોઇ'દી કોઇની પ્રતિક્ષા નથી કરી.
- બરકત વિરાણી "બેફામ".
________________________________________________
ગઝલ સર્જાયના કૈલાસ દિલમાં દાહ લાગ્યા વિણ,
પ્રથમ ઘેરાય છે વાદળ પછી વરસાદ આવે છે.
- કૈલાસ પંડીત.
________________________________________________

"જિંદગીનો સાર જો પાણી મહીં
એક પરપોટો થઈ ફુટી ગયો."
- શયદા.
________________________________________________

શક્ય નથી કે ઉતરી પડીએ અધવચાળે,
જીવવું બીજું શું છે? કેવળ વાઘસવારી.
- ભગવતીકુમાર શર્મા.
________________________________________________

જિંદગીનુ નામ બીજુ કંઈ નથી,
મેં ઉપાડી છે અપેક્ષા લાશની.
- અહમદ મકરાણી.
________________________________________________

તમામ ઉમ્ર મને જિંદગીએ લુંટ્યો છે,
મરણનાં હાથમાં પ્હૉંચી હવે સુરક્ષીત છું.
- આદીલ મન્સુરી.
________________________________________________

Sunday, 9 March 2008

નથી ખબર હવે તારીખ 'ને વારની,
વરસોથી કરું છું વાત ફક્ત તારા જ પ્યારની.
-કુશલ "નિશાન" દવે.

પ્રેમનું મહાસૂત્ર

આપણે તે ન કરીએ, ન ઇચ્છીએ, ન માંગીએ અને ન વિચારીએ જે આપણાં પ્રિય પાત્રને પસંદ કે અનુકુળ ન હોય.

-કુશલ "નિશાન" દવે.

Thursday, 6 March 2008

બસ કરો!

કતલ આ આંખથી બસ કરો!
ઘાયલ નજરથી બસ કરો!

જીવન તો જોખમાય જ હવે,
આપવું સ્મિત તો બસ કરો!

નયન નાં વાર ને છુપવું?
આપવો ડામ તો બસ કરો!

ખંજન નું કારણ મરણ ન હો,
છીનવું જીવન તો બસ કરો!

શું 'નિશાન' મળશે પ્રેયસી,
આપવો દિલાસો બસ કરો.


-કુશલ 'નિશાન' દવે.


છંદ- મુતદારિક મુસદ્સ સાલીમ

રચના- ગાલગા ગાલગા ગાલગા

ત્યાં સુધી..

પૃથ્વીની આ તલ્લીનતા માપી નથી મેં,
આવે નહીં કયામત ત્યાં સુધી 'જમુ' મારી જીવે.

વહેતાં ઝરણાં રમતી નદીઓ શમશે નહીં કદી,
સુકાય નહીં સમુંદર ત્યાં સુધી 'જમુ' મારી જીવે.

નેતીનેતી કહેવાય છે ભલે તોય કેટલું?
મપાય નહીં બ્રહ્માંડ ત્યાં સુધી 'જમુ' મારી જીવે.

અદ્રશ્ય થઈ જણાય છે છતાં જરૂરી બને છે,
હવા નહીં દેખાય ત્યાં સુધી 'જમુ' મારી જીવે.

ઈશ્વર આ જગતમાં નેતીનેતી વસે છે,
ભક્તિ નહીં દેખાય ત્યાં સુધી 'જમુ' મારી જીવે.

આભ ફાટી નીચે આવે ધરતી એને ભેટી જાય, તેમાં;
"નિશાન" નહીં દબાય ત્યાં સુધી 'જમુ' મારી જીવે.

-કુશલ 'નિશાન' દવે.

રચના- અછાંદ્સ કાવ્ય.

મનાઈ..!


પ્રેમ કરવાની મનાઈ;
યાદ કરવાની મનાઈ.

ને પછી એ જીવ જાણી;
શોક કરવાની મનાઈ.

રાત-દિવસ યાદમાં પણ;
એક થાવાની મનાઈ.

નહીં સજા એવી બતાવો કે;
ખુદને મળવાની મનાઈ.

કે 'નિશાન' ન જીવવું હો;
હોય મરવાની મનાઈ.

-કુશલ 'નિશાન' દવે.

છંદ- રમલ મુરબઅ સાલીમ
રચના- ગાલગાગા ગાલગાગા

Tuesday, 4 March 2008

ગમે છે..!

જૂનાં સંબંધોના સરવાળાં કરવાં ગમે છે;
મને આમજ ગોટાળાં કરવાં ગમે છે.

શાંત છું છતાં અશાંતી અનુભવું છું એટ્લે;
સ્થિર પાણીમાં કુંડાળાં કરવાં ગમે છે.

સ્વાર્થ સાધે છે લોકો મારી પાસે એટ્લે;
મને ક્યાં કોઇને વેગળાં કરવાં ગમે છે.

રક્તદાન કરવાં રક્ત રે'તુજ નથી કારણ;
મને હવે લોહીનાં કોગળાં કરવાં ગમે છે.

પાણી તો સીધું જ વહે છે ને "નિશાન"?
તો કેમ બધાંને વોકળાં કરવા ગમે છે..!

-કુશલ "નિશાન" દવે.

કોણ?


તું નહિ આવે તો મને સમજાવશે કોણ?
પ્રેમ નો પુરાવો પાક્કો લાવશે કોણ?

ઇચ્છાના અંધકારમાં ડૂબેલું છે જગત આ,
પોતાના સપનાં બાળી મને દિપાવશે કોણ?

ભલે ખુટે મારાં શબ્દો તારાં સૌંદર્યનાં વર્ણનમાં,
મારાં શબ્દો વડે વળી તને શણગારશે કોણ?

મારાં શબ્દો અને સ્પર્શમાં તાકાત છે સઘળી સરખી,
શબ્દો વાંચી સ્પર્શ જેવું તને લજાવશે કોણ?
-કુશલ "નિશાન" દવે.